Breaking
Mon. Dec 23rd, 2024

અમૃતકાલના પ્રકલ્પ સાથે ગ્રીનમેન વિરલ દેસાઈ ઉજવી રહ્યા છે ‘ટ્રી ગણેશા’

જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી ‘ટ્રી ગણેશા’ નામે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, જે મહોત્સવના કેન્દ્રમાં ગણેશજીની ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવના પણ મુખ્યત્વે હોય છે. એ અંતર્ગત આ વર્ષે વિરલ દેસાઈએ ‘અમૃતકાલ’ના પ્રકલ્પ સાથે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ પર ‘ટ્રી ગણેશા’નું આયોજન કર્યું છે.

‘ટ્રી ગણેશા’ના આ આયોજનમાં ગુજરાતનું વન વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સુરત પણ સત્તાવાર રીતે સંકળાયેલા છે. તેમના આ પ્રકલ્પ વિશે તેમણે જણાવ્યું હતું કે, ‘અમૃતકાલ એટલે કે મિશન 2047નો પ્રકલ્પ લેવાનું મુખ્ય કારણ એ છે કે જેમ આઝાદીના 75મા વર્ષે આપણી આગલી પેઢીના અથાક પ્રયત્નોથી આપણને એક સુંદર અને સશક્ત ભારતની ભેટ મળી છે એમ 2047મા દેશ સો વર્ષનો‌ થશે ત્યારે આપણા અથાક પ્રયત્નોથી આપણે આપણી આવનારી પેઢીને સ્વચ્છ અને સશક્ત પર્યાવરણની ભેટ આપવાની છે. એ માટે આપણે સૌએ સજ્જ અને સજાગ થવું પડશે અને એ સજાગતા માટે જાગૃતિ આવે એ માટે જ અમે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ રાખી છે.’

ઉલ્લેખનીય છે કે સુરતભરની અનેક સ્કૂલો અને કૉલેજો ‘ટ્રી ગણેશા’ની મુલાકાત લઈ રહી છે અને વિદ્યાર્થીઓ ‘પર્યાવરણ સેનાની’ બનીને ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણ‌ માટે સજ્જ થઈ રહ્યાં છે. આ‌ ગણેશ મહોત્સવમાં હજારોની સંખ્યામાં વૃક્ષોના રોપાનું વિતરણ થઈ રહ્યું છે તેમજ આખા વર્ષ દરમિયાન વિવિધ શાળાઓ અને કૉલેજોમાં  ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ’ અંતર્ગત જાગૃતિ અભિયાનો ચલાવાશે. તેમજ અનેક અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરવામાં આવશે.

Related Post